સર્વપ્રથમ દિલ્હીમાં વસતા ગુજરાતી ભાઈઓ તથા બહેનોને મારા વંદન. તેમાં પણ દક્ષિણ દિલ્હીમાં વસતા બધા જ ગુજરાતી ભાઈઓ તથા બહેનોને મારા ખાસ વંદન કે જેમના પ્રયાસોથી સન 1963માં સ્થપાયેલ શ્રી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળ (રજિસ્ટર્ડ) કે આજે 58 વર્ષ પછી પણ રાજધાનીમાં ગુજરાતી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસા ને જીવંત રાખવા માટે એક અડીખમ સંસ્થા તરીકે ઓળખાય છે કે જેના આદર્શો, લક્ષ્યો અને ઉદ્દેશ્યો સદૈવ ઉચ્ચ રહ્યા છે. સમયાંતરે મંડળના આગેવાનો દ્વારા મંડળના સભ્ય પરિવારોને સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે સહાયતા તેમાંજ માર્ગદર્શનનું કાર્ય શક્ય તેટલું વ્યક્તિગત ધોરણે કરતા રહ્યા. ત્યારબાદ મંડળનું નવોત્થાન તેમજ બંધારણીય આવશ્યકતાઓની અગ્રિમ ધોરણે વ્યવસ્થા કરવામાં આવી તેના માટે આપણાં મંડળ દ્વારા જે પણ પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી મંડળના બધાજ સભ્યોને પ્રતિષ્ઠા અને સંતોષનો અનુભવ થઈ રહ્યો છે.
વર્ષ 2020-2021 કોરોના મહામારી દરમ્યાન દેશમાં કોવિડ-19 રોગચાળા ને લીધે ચાલતા લોકડાઉન દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ અને સચિવ શ્રી રોહિતભાઇ વોરા તથા તેમની ટીમે દક્ષિણ દિલ્હી સ્થિત મંડળના જરૂરિયાતમંદ પરિવારોને ઑક્સીજન, એમ્બ્યુલન્સ, કોન્સેન્ટ્રેટર, દવાઓ, માસ્ક, સેનિટાઈઝર વગેરે સુવિધાઓ પૂરી પાડવા જેવી તબીબી રાહત માટે તેમજ હોસ્પિટલ એડમિસન આદિ વ્યવસ્થા માટે તેમની પોતાની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં લીધા વિના સરાહનીય પ્રયાસો કર્યા હતા અને તેની સાથે જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાયતા પણ કરી હતી. આપણાં મંડળ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી અદા કરવા હેતુ આર. કે. પુરમ નજીક મંદિર, ફલાઇઓવર અને સ્થાનિક ક્લસ્ટરમાં રહેતા જરૂરતમંદ પરિવારોને મફત માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, દવાઓ વગેરેની સાથોસાથ એ પરિવારોના બાળકોને પુસ્તકો, રંગો આદિ શિક્ષણ સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આપ સૌ જાણો છો કે છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મહામારી ને લીધે ભારતમાં ચાલતા લોકડાઉનને કારણે મંડળ વર્ષ 2020-2021 દરમ્યાન વધારે કાર્યક્રમો થઈ શક્યા નહોતા. તેમ છતાં વર્ષ-2021માં મંડળના પ્રમુખ(અધ્યક્ષ) શ્રી મનોહરભાઈ ગુજરાતીના પ્રબળ માર્ગદર્શન હેઠળ નવરાત્રિમાં મહા-અષ્ટમીને દિવસે રમઝટ ડાંડીયાનો પ્રોગ્રામ, શરદ પુર્ણિમા પ્રોગ્રામ, બેસતું વર્ષ-નુતન વર્ષાભિનંદન ના દિવસે એટલે કે 07.11.2021 ના રોજ મંડળના ભુતપૂર્વ વડીલ સભ્યોના સન્માન કાર્યક્રમનું સફળ આયોજન કર્યું . આપણા માટે એ બાબત ગૌરવપ્રદ છે કે આપણા મંડળના પ્રમુખ શ્રી મનોહરભાઈ ગુજરાતી તરફથી વરિષ્ઠ નાગરિકોના સન્માન કાર્યક્રમ લલિત મહાજન સીનિયર સેકેન્ડ્રી સ્કૂલ, વસંત વિહારમાં આયોજન કરવામાં આવેલ હતું. અહીં આપ સૌને જણાંવવાનું કે નવવર્ષ આયોજનના યજમાનો શ્રીમતી સુનીતિબેન અને શ્રી રાહુલભાઈ પટેલ, શ્રીમતી દીનાબેન અને શ્રી સિદ્ધાર્થભાઈ પરમાર તેમજ શ્રીમતી અર્ચનાબેન અને સ્વ. શ્રી નરેશભાઈ વૈદ્ય પરિવારો હતા, જેમનો અત્રેથી આભાર માનવાની તક લઉં છું.
આપ સૌને વિદિત હશે કે મંડળ હવે સંપૂર્ણ રીતે ડિજિટલ થઈ ગયેલ છે. તેનું સંપુર્ણ શ્રેય મંડળના યુવાન આઈ. ટી. નિષ્ણાત શ્રી હાર્દિકભાઇ નાગર ને આપવું જોઈએ. હવે આપાણા મંડળના સભ્યો મંડળની વેબસાઇટ: sddgm.org પર ક્લિક કરી મંડળ વિષેની સંપૂર્ણ માહિતી મેળવી શકે છે તેની સાથોસાથ સોશિયલ મીડિયા માધ્યમ જેમકે યૂટ્યૂબ, ફેસબુક, ટ્વીટર, ઇનસ્ટાગ્રામ, ઈત્યાદી થકી જોઈ શકે છે.
આ ઉપરાંત મંડળના કારોબારી સભ્યો અને સામાન્ય સભ્યો દિલ્હીની 125 વર્ષ જૂની માતૃ સંસ્થા શ્રી ગુજરાતી સમાજના અનેક કાર્યક્રમોમાં મંડળનું પ્રતિનિધિત્વ કરી ત્યાં સેવા આપે છે. જેના કારણે આપણાં મંડળની વિશેષ ઓળખ પ્રસ્થાપિત થઈ છે.
હવે કોવિડ-19 મહામારીનો પ્રકોપ ઠંડો પડ્યો છે. આશા રાખીએ કે આ વર્ષે મંડળ વધુ ઉત્સાહથી રસપ્રદ/માહિતિસભર અને સામાજિક પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરશે જેનો દિલ્હીમાં વસતા તમામ ગુજરાતી પરિવારો, ખાસ કરીને દક્ષિણ દિલ્હી સમાજના સભ્ય પરિવારો, તેનો ભરપૂર લાભ લેશે. અસ્તુ.